આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલી GAIL(ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ) ની પાઇપલાઇનમાં આગ લાગતાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 14 લોકોનાં મોત અને 15 જણા ઘાયલ હોવાના અહેવાલ છે. ગણતરીની કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટના અંગે ગેઈલ તથા આંધ્ર સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઘટના અંગે સંવેદના પ્રગટ કરી છે.
શુક્રવારે વહેલી સવારે છ વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી. બ્લાસ્ટના કારણે ભારે આગ લાગી હતી. આ વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 30ને ઈજા પહોંચી છે. આગને કારણે આજુબાજુના 50 ઘરો સળગીને રાખ થઈ ગયા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આગને બુઝાવવા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાય હતા. ઘટનાસ્થળે રાહતકામ શરૂ કરી દેવામાં અવ્યું હતું. 26 અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના જિલ્લાઓમાંથી ફાયર ફાઈટર્સને બોલાવવામાં આવ્યા હતા.
જ્યારે, ઈજાગ્રસ્તોને કાકીનાડા તથા અમલાપુરમની હોસ્પિટલ્સમાં ખસેડવામાં આવ્યા છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના કલેક્ટર નીતુકુમારી પ્રસાદના કહેવા પ્રમાણે, આગ પર કાબુ મેળવી લેવાયો છે.
ગેઈલ કંપનીનું નિવેદન
ગેઈલ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે, “પાઈપલાઈનમાં લાગેલી આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. જ્યારે પાઈપલાઈનમાં વિસ્ફોટ કેવી રીતે થયો, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગેલના પ્રોજેક્ટ ચેરમેન અને અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા છે. આ સંદર્ભમાં તપાસ પણ નિમવામાં આવી છે.ઓએનજીસીની રિફાઈનરીમાંથી નીકળતા ગેસનું વહન કરતી પાઈપલાઈનનો વ્યાસ અઢાર ઈંચ છે. અમારી પ્રાથમિકતા રાહત અને બચાવ કાર્યની છે.”બીજી બાજુ, આંધ્રપ્રદેશની સરકાર પણ સક્રિય બની છે અને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન ચિન્નારાજપ્પા ઘટનાસ્થળે ધસી ગયા છે.