આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી મામાના ઘરેથી પરત ફરતા તેમનો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો હતો. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવી હતી. જેમાં સાધુ સંતો,મેયર મીનાક્ષીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભગવાનની આંખે બંધાયેલા આ પાટા અષાઢ સુદ બીજને રથયાત્રાના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. ત્યાં સુધી ભક્તો તેમના આ રૂપે જ દર્શન થાય છે. નેત્રોત્સવની વિધી બાદ સવારે ૯ કલાકે ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવી હતી.
જેઠ સુદ પૂનમના રોજ ભગવાનની જળયાત્રા યોજાઇ હતી, જેમાં ગંગાપૂજનનું પણ કરાયુ હતું. આ વિધિ બાદ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળ સરસપુર ખાતે બિરાજમાન થયા હતાં. પંદર દિવસ પૂર્ણ થતા આજે અમાસના દિવસે તેઓ મોસાળથી પરત ફર્યા હતા.