Home / Politics / મોદી પશ્વિમ રેલવેનું હેડકવાર્ટર અ’વાદ લાવી વર્ષો જૂની માંગ પૂરી કરશે?

મોદી પશ્વિમ રેલવેનું હેડકવાર્ટર અ’વાદ લાવી વર્ષો જૂની માંગ પૂરી કરશે?

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતા વડાપ્રધાન પદે બનેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદ ખસેડવાની ગુજરાતીઓની વર્ષો જૂની માગણી પૂર્ણ કરશે? હાલ પશ્ચિમ રેલવેની ૭૫ ટકાથી વધુ રેલવેલાઈનો ગુજરાતમાં છે અને ૯૦ ટકાથી વધુ આવક ગુજરાતમાંથી જ થાય છે ત્યારે ગુજરાતીઓએ ક્યાં સુધી અન્યાય સહન કરવો પડશે? આ સિવાય કેટલીક નવી ટ્રેનો શરૂ કરવા તેમજ અમદાવાદ આવતી તમામ ટ્રેનોને મણિનગર અને સાબરમતી ખાતે સ્ટોપેજ આપવાની માગણી અંગે પણ આગામી રેલવે બજેટમાં જાહેરાત કરાય તેવી અપેક્ષા લોકોએ વ્યક્ત કરી છે.
આ અંગે રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ પશ્ચિમ રેલવેનું હેડ ક્વાર્ટર મુંબઈ ચર્ચગેટ ખાતે આવેલું છે. જ્યારે પશ્ચિમ રેલવેમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ એમ છ ડિવિઝન કામ કરે છે. આ છ ડિવિઝનમાંથી મુંબઈ અને રતલામ ડિવિઝન સિવાયના ચાર ડિવિઝનનો સંપૂર્ણ એરિયા ગુજરાતમાં છે જ્યારે મુંબઈ ડિવિઝનનો ૬૦થી ૭૦ ટકા એરિયા અને રતલામ ડિવિઝનનો ૨૦થી ૩૦ ટકા એરિયા ગુજરાતમાં જ છે. એ જ રીતે માલ ભાડા અને પેસેન્જર ભાડાની કુલ આવકમાંથી ૯૦ ટકા આવક ગુજરાતમાંથી થાય છે.

ત્યારે પશ્ચિમ રેલવેનું હેડ ક્વાર્ટર ગુજરાતમાં અમદાવાદ ખાતે ખસેડવા માટે સ્થાનિક લોકો ઉપરાંત ભાજપના આગેવાનોએ પણ અનેકવાર રજુઆતો કરી છે છતાં આજદિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે જો હવે એક ગુજરાતી અને ભાજપના નેતા વડાપ્રધાન બન્યા હોય ત્યારે શું હવે તેઓ ગુજરાતીઓની આ માગણી પ્રત્યે ધ્યાન આપી તેમની માગણી સંતોષશે ખરા? આ બાબતે ભૂતપૂર્વ રેલવે રાજ્ય મંત્રી ભરતસિંહ સોલંકીનો સંપર્ક સાધતા તેમણે મિટિંગમાં હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.