બોપલ સર્કલ પાસે ૧૨ પૈડાં ધરાવતા ટ્રેલરે બાઈક પર જઈ રહેલા દંપતીને ટકકર મારતા ટાયર નીચે આવી જતાં મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં મહિલાના પતિ અને ૮ વર્ષની દીકરી બાઈક સાથે દૂર ફંગોળાઈ જતાં તેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો ઉશ્કેરાતા ટ્રેલર પર પથ્થરમારો કરીને ટ્રકને સળગાવી દીધી હતી. જ્યારે ટ્રેલરચાલક ઘટના સ્થળ પર જ ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે આરોપી ચાલકને સરખેજ પોલીસે ઝડપી લીધો હતો. સરખેજ પોલીસે મૃતકની લાશને પીએમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આરોપી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ભાડજના મેઘમણિ ફાર્મમાં રહેતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા મહેન્દ્રકુમાર ઠાકોર ફાર્મ હાઉસમાં પોતાની પત્ની રમીલાબેન (૩પ) સાથે રહેતા હતા. જ્યારે તેમની ૮ વર્ષની દીકરી નૈના હળવદ ખાતે સ્કુલમાં ભણતી તેમજ સ્કૂલની જ હોસ્ટેલમાં રહેતી હતી. ગુરુવારે સવારે ૬ વાગે દંપતી પોતાની દીકરીને લેવા માટે નીકળ્યા હતા. શાંતિપુરા ચોકડી પાસે બાઈક પાર્ક કરી બસમાં તેઓ હળવદ જવા રવાના થયા હતા. જ્યારે દીકરીને લઈને ગુરુવારે બપોરે ૪ વાગે પરત ફરેલું દંપતી બાઈક પર બેસી ઘર તરફ જઈ રહ્યા હતા.
દરમિયાન ૪:૩૦ વાગે બોપલ સર્કલ પાસે રાજસ્થાન પાસિંગના ૧૨ પૈડાંના ટ્રેલરે દંપતીની બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પાછળ બેઠેલાં રમીલાબેન ટ્રકના પૈડાં નીચે આવી જતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેન્દ્રકુમાર તેમજ નૈના બાઈક સાથે જ દૂર ફંગોળાઈ જતાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ટ્રેલરનો ચાલક ફરાર થઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓએ ઉશ્કેરાઈ જઈ ટ્રેલર પર પથ્થરમારો કરી તેને આંગ ચાંપી દીધી હતી. જ્યારે આ ઘટના અંગે જાણ થતાં સરખેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ લાશને પીએમ માટે સોલા સિવિલમાં લઈ જવાઈ હતી. જ્યારે સામાન્ય ઈજાઓ પામેલા મહેન્દ્રકુમાર અને ૮ વર્ષીય નૈનાને પણ સોલા સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી.